દર્શાવો નહીં સ્વજનોને, તો ફાયદો ક્યાં છે?
છાના રહેવું ,જીવનનો એ કાયદો કયાં છે?
વિષાદ થાય જો અંતરમાં, તૉ રડી લો તમે ઝર-ઝર,
નથી પાડી એ ફરજ કોઈએ, હઁસતા રહેવું ઉંમર ભર !
ઉમળકો થાય લાગણીઓ નો, છલકવા દો એ હેત…
સમય જશે સરી નહીં તો, હાથમાંથી જેમ રેત !
મનમાં જે અટકાવવી પડે, એવી લાગણી નું શું કામ?
દિલમાંજ રહે જો દિલની,સાહેબ, તો ક્યાં મળશે આરામ?
તોલવા પડે જ્યાં બોલતાં પહેલા શબ્દો ને, કહો તમેજ, એને મૈત્રી નું નામ કેમ અપાય ?
પહેરવાં પડે છે મુખવટા, દુનિયા સમક્ષ માનું છૂં… એજ મુખવટા, ઘરમાં પણ, પહેરવાં કેમ સહેવાય?
દર્શાવી ના હોત જો ના એમણે , પ્રેમ- સહાનુભૂતિ..
થઈ હોત તો શું દુનિયા ને, પુરુષોત્તમ રામ ની અનુભૂતિ?
ચોર્યું હોત ન માખણ, રમ્યા ના હોત જો રાસ…
વ્હાલો આપણો કાનુડો, શું લાગત આટલો ખાસ?
વહેતું, રવ કરતું ઝરણું, કેવું લાગે છે સુંદર…
એટલાં રમણીય કદી એ ના લાગે, પત્થરો નાં ડુંગર !
માટે રાખો વહેતાં, લાગણીઓ ના તરંગ…
જુઓ પછી કેવા ખીલે છે, માનવતા ના રંગ !